Friday, January 18, 2008
Wednesday, January 16, 2008
ફોટોગ્રાફ અને હાઈકુઃ એક ક્ષણ, માત્ર એક ક્ષણ!
એક કળાને બીજી બધી કળાઓ સાથે માસીયાઈ ભાઈબહેનો જેવો સંબંધ છે એ તો આર્કિટેક્ચરમાં ભણતો હતો ત્યારે જ માનતો થઈ ગયેલો. આ કાવ્યો એ માન્યતાની જ નિપજ ગણાય. મિત્રોની ફોટોગ્રાફી જોતા જોતા દિવ્યેશભાઈનો કોઇ ફોટો કઈક વિશેષ પ્રેરણા જગાડી ગયો. સર્જનાત્મક કાર્યોમાં જોડાયેલા દરેકને આવા અચાનક ઉમટી આવતા ઉમળકા અંગે મારે કઈ કહેવાનુ ન હોય! ને પ્રગટ્યુ દિલેથી મારુ પહેલુ હાઈકુ કોઇ એવી ક્ષણ પર જેનો હું પ્રત્યક્ષ સાક્ષી નહોતો! પણ સારા ફોટોગ્રાફ્સતો ઘણુ બધુ કહી દેતા હોય છે! ને પછી તો મજા પડી ફોટોગ્રાફ્સ વિશેની કમેન્ટસ લખવાની જગ્યામા હાઈકુ ને કાવ્ય લખવાની! વળી દિવ્યેશભાઈનો જવાબ મળ્યો એ પણ ઉત્સાહવર્ધક હતો. એવી જ પ્રેરણા મળી હતી લાવણ્યાના ફોટોગ્રાફસ જોઈને, ને એણે પણ ઉત્સાહમાં વધારો જ કર્યો. પછી તો ઘણા ફોટોગ્રાફ્સ મળતા ગયાને લખતો ગયો ને આજે લાગે છે કે સારા ફોટોગ્રાફ્સને મળેલી સેંકડો કમેન્ટ્સ વચ્ચે હાઈકુ પડ્યા રહે એના કરતા એને અલગ બ્લોગ પર પણ સંચિત કરુ તો કેવુ? ને એમાથી સર્જાયો આ બ્લોગ!
હાઈકુ જ કેમ એ અંગે જે વિચારો છે એ કહી દઊં: દિવ્યેશભાઈ ના ફોટોગ્રાફ્સ જોઇને એના પર કઈંક લખવાનો ક્યારેક જે ઉમળકો ચડ્યો એના માટે સૌથી સારો કાવ્યપ્રકાર મને હાઈકુ નો લાગ્યો છે. સદનસીબે કેટલાક ગુજરાતી કવિઓએ મુળે જાપાન નો આ કાવ્યપ્રકાર અજમાવ્યો છે અને એટલે જ મારા તમારા જેવા ગુજરાતીઓ માટે તે સાવ અજાણ્યો નથી. હાઈકુ મોટે ભાગે કુદરત ની કોઇ એક સુંદર ક્ષણના સાક્ષી બન્યા હોઈએ ત્યારે લખાય છે જેને હાઈકુ મોમેન્ટ કહી શકીએ. ફોટોગ્રાફીની કળાનુ પણ એ બાબતે હાઈકુ સાથે સામ્ય કહી શકાય કે એની મજા પણ એક મોમેન્ટ ને કચકડે મઢી ને એના દ્વારા જે બીજાઓ એ ક્ષણ ચુકી ગયા છે કે પરસ્પેક્ટિવ ના અભાવે જોઇ શકતા નથી એમને કલામય રીતે દર્શાવવામાં છે. ને મને લાગે છે કે જયારે કોઇ ફોટો જોઇએ ત્યારે તુરંત જે અહોભાવ થાય છે તેવો જ કઈક ભાવ હાઈકુની ત્રીજી લીટી વાંચીએ ત્યારે થાય છે! ફૉટોગ્રાફીમાં પણ એક પ્રકારની સંકડાશ હોય છે (સમયની સ્પેસની - કોઈ એક જ ક્ષણ ને ઍક જ ૩૫ મિમિ ની ફ્રેમ !) વિડીયોગ્રાફીમાં થોડા અંશે એ રીતે મોકળાશ મળે ખરી! એવુ જ મને હાઈકુ નુ લાગ્યુ છે - બીજા કાવ્યપ્રકારોમાં પ્રમાણમાં થોડો વધુ અવકાશ હોય છે, જ્યારે હાઈકુ તો બસ - ત્રણ લીટીનુ, સત્તર અક્ષરો ને એ પણ પાંચ-સાત-પાંચના બાંધેલા ફરમામાં જ! પણ એ જ મજા છે ફોટોગ્રાફીની ને હાઈકુનીઃ લાઘવ્ય!
આ બ્લોગનુ નામ શું રાખવુ એ અંગે અવઢવ થઈ હતી. આભાર ક્રુપાલનો જેણે આ નામ સુચવ્યુ! શોટ્સ શબ્દને ફોટોગ્રાફી સાથે પુરી લેવાદેવા ને વળી શોટ સાંભળીએ એટલે ટકિલા યાદ આવ્યા વિના ન રહે - નાનો શો પેગ, છેલ્લે લિંબુમીઠુ ને તુરંત નશો! ઇચ્છુ કે આ હાઈકુ ને આ ફોટોગ્રાફ્સ પણ તમને એવો જ જામ પીરસે!!!
Subscribe to:
Posts (Atom)